અપડેટ:
કચ્છના ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર શનિવારે રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ત્રણ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. તમામ મૃતકો ભુજમાં ફરજ બજાવતા સેનાના જવાનોના પરિવારજનો હતા અને મૂળ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના રહેવાસી હતા.
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર શનિવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ટ્રક અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ બાળકો સહિત સાત લોકોનાં મોત થયાં હતાં.
મળતી માહિતી મુજબ, 21 નવેમ્બરની રાત્રે આશરે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. કારમાં સવાર લોકો કચ્છના રણની મુલાકાત લઈને ભુજ પરત ફરી રહ્યા હતા. દરમિયાન હાઈવે પર ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્મતમાં કારમાં સવાર તમામ સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં ત્રણ મહિનાની બાળકી અને અન્ય બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકો મૂળ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના રહેવાસી હતા અને ભુજમાં ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોના પરિવારજનો હતા.
અકસ્મતમાં કારને ભારે નુકસાન થયું હતું. વાહનના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવકર્મીઓને લાંબી જહેમત ઉઠાવવી પડી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી. અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.