ગુજરાતમાં વાહનો પર જાતિ દર્શાવતા લખાણ અને ચિહ્નો પર પ્રતિબંધ, રાજ્ય સરકારે મોટર વ્હીકલ નિયમોમાં કર્યો ફેરફાર

Maru Mehsana 2 days ago

Updated:

ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિ ઓળખાવતા શબ્દો, ચિહ્નો, સ્ટીકર અને લખાણના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગે ગુજરાત મોટર વ્હીકલ્સ નિયમો, 1989માં સુધારો કરીને 17 નવેમ્બરે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમ ટુ-વ્હીલરથી લઈને કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનોને લાગુ પડશે. સરકાર દ્વારા ખાસ મંજૂરી આપવામાં આવેલા અપવાદો આ નિયમથી અલગ રહેશે.

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો અને ચિહ્નો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત મોટર વ્હીકલ્સ નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

રાજ્યના બંદરો અને વાહનવ્યવહાર વિભાગ દ્વારા 17 નવેમ્બર 2026ના રોજ ગુજરાત મોટર વ્હીકલ્સ (થર્ડ એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2026 જાહેર કરવામાં આવ્યા છે.

નવા નિયમ અનુસાર, ખાનગી વાહનો પર જાતિ ઓળખાવતા શબ્દો, ચિહ્નો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ જોગવાઈ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનોને લાગુ પડશે.

આ માટે ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સના નિયમ 125(1)માં 'કાસ્ટ સાઇનેજ' શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જ્યારે નિયમ 138માં નવો પેટા નિયમ ઉમેરીને ખાનગી વાહનો પર આવા લખાણ અને ચિહ્નોના પ્રદર્શનને સ્પષ્ટ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.

જોકે, રાજ્ય સરકાર સામાન્ય અથવા ખાસ આદેશ દ્વારા કેટલીક બાબતોમાં છૂટ આપી શકશે.

સરકાર દ્વારા અગાઉ 11 જૂન 2026ના રોજ આ સુધારાનો ડ્રાફ્ટ જાહેર કરીને વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધા કે સૂચનો ન મળતાં આખરે અંતિમ નિયમ જાહેર કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવવાની પ્રથાને નિયંત્રિત કરવા માટે કાયદાકીય જોગવાઈ વધુ સ્પષ્ટ બની છે.

Share this news

More news